આછી આછી સમજ હતી
છતા પ્રેમની પરખ હતી

હતો આંખમાં સન્નાટોને
અંગ અંગમાં તડપ હતી

એક બીછાને રહ્યા પછી પણ
તું મારાથી અલગ હતી

તારી વાતમાં કોણ ના ડૂબે
તારી વાતો ગજબ હતી

એક આંખમાં અલ્લડતાને
એક આંખમાં શરમ હતી

મેજ બગાડી મારે હાથે
સાવ જીંદગી સરળ હતી

હતો આદમી સાવ જ ભોળો
છાપ ભલેને કડક હતી

ચન્દ્રેશ મકવાણા